મધ્યકાલીન આખ્યાનકાર કવિ. આ કવિએ કડવાને અંતે કથાઅંશનો ઉપસંહાર રચીને ‘વલણ’ કે ‘ઉથલા’ની રચનારીતિથી રચનાનું સાતત્ય જાળવતી સાંકળ રચી – તે તેમનું વિશિષ્ટ પ્રદાન છે. ‘વિરાટપર્વ’, ‘રામાયણ’, ‘નળાખ્યાન’ જેવાં કેટલાંય આખ્યાનો તેમણે આપ્યાં છે. તેમાં સમાજજીવનના રંગો ઉમેરીને નાકરે પહેલી વાર આખ્યાનકળાને લોકભોગ્યતા આપી. તેમના અનુગામી અને પ્રસિદ્ધ આખ્યાનકાર પ્રેમાનંદે નાકરની આ પ્રકારની આલેખન-સામગ્રીનો સીધો ઉપયોગ કર્યો છે. નાકરની આખ્યાનેતર લઘુ કૃતિઓમાં શિવરાત્રિ-મહિમા આલેખતો ‘વ્યાધમૃગલી સંવાદ’ જાણીતો છે. બીજો આ ‘સોગઠાનો ગરબો’ જાણીતો છે.