પ્રસિદ્ધ બંગાળી લેખક. જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૪, ફરીદપુર, બંગાળ પ્રેસીડેન્સી (હાલ બાંગ્લાદેશમાં). કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી તથા અંગ્રેજી વિષયો સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. નાનીમોટી નોકરીઓ કર્યા બાદ 'આનંદબજાર પત્રિકા' દૈનિકના તંત્રી વિભાગમાં જોડાયા. એમણે સાહિત્યલેખનની શરૂઆત કાવ્યસર્જનથી કરી અને સ્વાતંત્ર્યોત્તર કાળના પ્રતિનિધિ કવિ તરીકે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. એમણે 'કૃત્તિબાસ' નામનું સાહિત્યિક સામયિક શરૂ કર્યું અને એમાં જ એમની વાર્તાઓ અને ધારાવાહિક નવલકથાઓ છપાઈ. ૨૦૦૮માં તેઓ સાહિત્ય અકાદમી, દિલ્હીના પ્રમુખ તરીકે નિયુક્ત થયા. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૫), આનંદ પુરસ્કાર (૧૯૭૨, ૧૯૮૯), બંકિમ પુરસ્કાર (૧૯૮૪) પ્રાપ્ત થયેલ છે. ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ હ્રદયરોગના હુમલાથી મૃત્યુ.